ઉત્તર કોરિયાએ તેના બંધારણ અને પરમાણુ નીતિમાં મોટો ફેરફાર કરીને નવી જોગવાઈ ઉમેરી છે. હવે જો દેશના સુપ્રીમ લીડર કિમ જોંગ-ઉન (Kim Jong-un)ની હત્યા થાય છે અથવા કોઈ વિદેશી હુમલા દરમિયાન તેઓ નેતૃત્વ કરવાની સ્થિતિમાં ન હોય, તો ઉત્તર કોરિયા તરત જ પરમાણુ હુમલો કરશે.
બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, આ ફેરફાર માર્ચમાં તેહરાન પર અમેરિકા અને ઇઝરાયેલના હુમલાઓ પછી કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેની અને ઘણા વરિષ્ઠ ઇરાની અધિકારીઓના મોત થયા હતા.
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી અનુસાર, આ હુમલાઓએ પ્યોંગયાંગને વિચારવા મજબૂર કર્યા અને ઉત્તર કોરિયાને ડર સતાવવા લાગ્યો કે ભવિષ્યમાં આવો ‘ડિકેપિટેશન સ્ટ્રાઈક’ એટલે કે ટોચના નેતૃત્વને ખતમ કરતો હુમલો તેની વિરુદ્ધ પણ થઈ શકે છે.
આ નવી જોગવાઈ 22 માર્ચે પ્યોંગયાંગમાં શરૂ થયેલા 15મી સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીના પ્રથમ સત્ર દરમિયાન અપનાવવામાં આવી હતી. બાદમાં દક્ષિણ કોરિયાની નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસે વરિષ્ઠ સરકારી અધિકારીઓને આ ફેરફાર વિશે જાણ કરી.