કિંજલથી લઈને આરતી સાંગાણી, જીવનસાથી માટે યુવતીઓ સમાજ સામે પડી

વિકાસના પર્યાય બનેલા ગુજરાતમાં લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, ભાવનગરની પ્રિયા મોરડિયા અને સુરતની આરતી સાંગાણીએ કરેલા લવમેરેજ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યાં છે. આંતરજ્ઞાતિય લગ્નને લઈ સમાજમાં રીતસરના બે ફાંટા પડી ગયા છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર સહિતના સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પ્રેમલગ્નના કિસ્સામાં માતાપિતાની સહમતી લેવાની માગ ફરી એકવાર પ્રબળ બની છે.

ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવેએ પોતાની જ્ઞાતિ બહાર એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરતાં પાંચ પરગણાં બ્રહ્મસમાજમાં વિરોધનો સૂર ઊઠ્યો હતો અને સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરાયો હતો. સમાજના નિર્ણયની સામે ચૂપ બેસી રહેવા બદલે કિંજલ દવેએ પણ સવાલોનો મારો કર્યો હતો અને કહ્યું હતું કે દીકરીઓની પાંખો કાપવાની વાતો છે, હું પણ સાટાપ્રથાથી પીડિત છું.

કિંજલે વધુમાં જણાવ્યું હતું કે દીકરીઓ અત્યારે તેજસ જેવા પ્લેનો ઉડાડી રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીએ લીડ લઈને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે ત્યારે શું બે-ચાર આવાં અસામાજિક તત્ત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે, શું એક દીકરીને તેનો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો હક નથી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *