ટ્રમ્પે બુધવારે ઓમાન પર હુમલો કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે જો તે ઈરાન સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશે તો અમેરિકા તેને ઉડાવી દેશે.
ઓમાન 15મો એવો દેશ છે જેના પર ટ્રમ્પે હુમલાની ધમકી આપી છે. એટલું જ નહીં, ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાએ 7 દેશો પર હુમલા પણ કર્યા છે. તેમાં વેનેઝુએલા પણ સામેલ છે જ્યાં ઘૂસીને અમેરિકાએ રાષ્ટ્રપતિનું અપહરણ કરી લીધું હતું.
આ ઉપરાંત ટ્રમ્પ 4 દેશો પર કબજો કરવાની ચેતવણી પણ આપી ચૂક્યા છે. તેમાં કેનેડા, ગ્રીનલેન્ડ, વેનેઝુએલા અને ક્યુબા સામેલ છે. આ ઉપરાંત ટ્રમ્પ પનામા નહેર પર પણ કબજો કરવાની ધમકી આપી ચૂક્યા છે.
વર્ષ 2024 માં જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે તેઓ પોતાને શાંતિપ્રિય નેતા તરીકે રજૂ કરી રહ્યા હતા. ચૂંટણી રેલીઓમાં તેઓ પોતાના વિરોધીઓને યુદ્ધ ભડકાવનારા નેતા કહેતા હતા. તેમનું કહેવું હતું કે તેમના રાષ્ટ્રપતિ બન્યા પછી દુનિયામાં શાંતિ આવશે.
તેમણે ઘણી વાર કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ જ ન થાત. ટ્રમ્પ પોતાને એવા નેતા ગણાવતા હતા જે દુશ્મન દેશો સાથે વાતચીત કરી શકે અને મોટા યુદ્ધ વિના સમજૂતી કરાવી શકે.
ટ્રમ્પ કહેતા હતા કે જો તેમના વિરોધીઓ સત્તામાં આવશે તો અમેરિકા ફરીથી ઇરાક અને અફઘાનિસ્તાન જેવા લાંબા યુદ્ધોમાં ફસાઈ જશે. પરંતુ રાષ્ટ્રપતિ બન્યા પછી સ્થિતિ બદલાઈ ગઈ.