રાજકોટમાં એઈમ્સનું નિર્માણ થાય તે માટે છેલ્લા સાત વર્ષથી સરકાર, તંત્ર અને શહેરવાસીઓ અનેક પ્રયાસો કરી રહ્યા હતા. એઈમ્સ કાર્યરત થઈ તો ખરા પણ અત્યારે તેની હાલત રાજકોટ સિવિલ હોસ્પિટલ કરતા પણ બદતર હાલત થઈ ગઈ છે. જેમ સિવિલ હોસ્પિટલને અધિક્ષક મળતા ન હતા તેમ હવે એઈમ્સના ડિરેક્ટર પદ માટે પણ આરોગ્ય મંત્રાલય તોડ જોડ કરી રહ્યું છે.
એઈમ્સના ડિરેક્ટર ડો.સીડીએસ કટોચ અત્યારે લાંબી રજા પર ઉતરી ગયા છે. તેમનો ચાર્જ જોધપુર એઈમ્સના ડિરેક્ટરને અપાયો છે. જોકે તેઓ પણ રાજકોટ એક જ વખત આવ્યા છે. બીજી તરફ ડેપ્યુટી ડિરેક્ટરનું પદ ખાલી પડ્યું છે. એઈમ્સમાં મહિલાએ કરેલી સતામણીની ફરિયાદ બાદ આખું તંત્ર વગોવાઈ ગયું છે અને તેના હવે દુષ્પરિણામો આવી રહ્યા છે.
એઈમ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે રમાતા રાજકારણ અને એક બીજાના પદ ખાઈ જવાની પેરવીને કારણે આરોગ્યધામને લૂણો લાગી ગયો છે. હજુ તો એઈમ્સમાં પૂરી સુવિધા પણ શરૂ થઈ નથી ત્યાં ડિરેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટરના પદ ખાલી પડી ગયા છે તેથી દર્દીઓને હવે ત્યાં સારી આરોગ્ય સુવિધાઓ મળે તેની શક્યતા પણ ધૂંધળી થઈ છે. એઈમ્સમાં સારવાર શરૂ થતાં સૌરાષ્ટ્રવાસીઓમાં મેડિકલક્ષેત્રે આશા બંધાઈ હતી પરંતુ વાદ-વિવાદથી લોકો પણ અચંબિત થઈ ગયા હતા.