ગુજરાતી બિઝનેસવુમન ઈશા અંબાણીએ વિવિધ ભારતીય કળાઓને અમેરિકાના ન્યૂયોર્કમાં યોજાયેલા ‘મેટ ગાલા 2026’ના પ્રી-પાર્ટી અને મુખ્ય ઇવેન્ટમાં નવી ઓળખ અપાવી છે. ખાસ કરીને, મેટ ગાલા 2026ની મુખ્ય ઇવેન્ટમાં ઈશાનું હીરા-જવેરાતથી જડિત બ્લાઉઝ અને સોનાના દોરાથી બનેલી સાડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ બ્લાઉઝને ગુજરાતી જ્વેલર્સના કારીગરોની 2000 કલાકની મહેનતે તૈયાર કરવામાં આવ્યું હતું, જેની ખાસ વાત એ હતી કે બ્લાઉઝ પર ઈશાને ઝિયાણાંમાં મળેલા દાગીનાનો ઉપયોગ થયો હતો.
વાસ્તવમાં ઇવેન્ટ દરમિયાન ઈશા અંબાણીએ પોતાના ડ્રેસ વિશે ખુલાસો કર્યો હતો. ઈશાએ કહ્યું કે, ‘આ બ્લાઉઝ મારી માતાના દાગીનાઓથી લાદેલું છે. તેમાં અલગ-અલગ લાગણીસભર ટુકડાઓ છે. આમાંથી ઘણા દાગીના એ છે, જે મને ત્યારે મળ્યાં હતાં, જ્યારે મારા બાળકોનો જન્મ થયો હતો. તે મારા માટે ઘણું ભાવનાત્મક છે.’
વાસ્તવમાં ઈશા અંબાણીએ ‘કાંતિલાલ છોટાલાલ જ્વેલર્સ’ના દાગીનાથી જડેલું બ્લાઉઝ પહેર્યું હતું. દિવંગત કાંતિલાલ છોટાલાલ મૂળ ગુજરાતના પાલનપુરના વતની છે. તેમણે 1948માં પાલનપુરમાં ‘પાલનપુર શિશુશાળા બાલમંદિર’ની સ્થાપના કરી હતી. ઈશાના માતા નીતા અંબાણીની કલ્પના અને ‘કાંતિલાલ છોટાલાલ’ની 2000 કલાકની કારીગરીએ આ ભવ્ય લુકને સાકાર કર્યો હતો.