આ વખતે શરૂઆતથી લઇને અંત સુધી વિવાદોના ચકડોળ વચ્ચે રાજકોટમાં લોકમેળો યોજાયો હતો. જોકે લોકમેળામાં આ વર્ષે રોનક ઓછી જોવા મળી હતી. તેમજ વેપારીઓએ પૂરતા પૈસા ચૂકવ્યા હોવા છતાં ખાણીપીણી અને રમકડાંના સ્ટોલના ધંધાર્થીઓને પૂરતી સુવિધા નહિ મળવાની અનેક ફરિયાદો ઊઠી હતી. આ બધાની વચ્ચે રાજકોટ વહીવટી તંત્રને રૂ.50 લાખનો નફો થયો છે. લોકમેળામાં લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે ત્યારે રેસકોર્સ મેદાન નાનું પડતા હવે લોકમેળો અટલ સરોવર પાસે ખસેડવા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાઇ છે. જમીન સમથળ કરવામાં આવશે.
આ વર્ષે લોકમેળો અટલ સરોવર તેમજ પડધરી નજીકના ગ્રાઉન્ડમાં ખસેડવા નિર્ણય લેવાયો હતો, પરંતુ ત્યાં જમીન સમથળ નહોતી અને જે સમય હતો એટલા સમયમાં જમીન સમથળ કરવી અશકય હતી તેથી આ વખતે લોકમેળો અન્ય જગ્યાએ ખસેડી શકાયો નહોતો. તેમજ વરસાદને કારણે મેળામાં કાદવ-કીચડનું સામ્રાજ્ય રહ્યું હતું.તેમજ રાઈડ્સ શરૂ કરવાની મંજૂરી મોડી મળી હતી. આથી આ વખતે લોકમેળાની રોનક ફિક્કી રહી હતી.
આ બધાની વચ્ચે રાજકોટ વહીવટી તંત્રને મેળામાંથી રૂ.50 લાખનો નફો થયો છે. કુલ 238 જેટલા ખાણીપીણી અને રમકડાંના સ્ટોલ તેમજ યાંત્રિક રાઈડ્સના પ્લોટ હતા. તેની હરાજી-ડ્રોમાંથી તંત્રને રૂ.2 કરોડથી વધુ રકમની આવક થઇ હતી. જે નફો થયો છે તેની આવક સેવાકીય પ્રવૃત્તિ માટે વાપરવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું. નોંધનીય છે કે, અગાઉના વર્ષોમાં લોકમેળાની આવકમાંથી ગોંડલ તેમજ ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં નવજાત શિશુઓ માટે ક્રિટિકલ કેર યુનિટ બનાવાયું હતું.