હાલ માતાજીના નવલા નોરતાં ચાલી રહ્યા છે ત્યારે ભક્તો માતાજીની ભક્તિમાં લીન છે. આ પ્રસંગે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંદિરની મુલાકાત લીધી હતી અને મા ખોડલના દર્શન, પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તથા તેમના પુત્રી અનારબેન પટેલ પણ જોડાયા હતા.
આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ તેમને ઉષ્માભેર આવકાર્યા હતા.
આ મુલાકાત દરમિયાન આનંદીબેન અને તેમના પુત્રીના હસ્તે માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી વૈદિક મંત્રોચ્ચાર અને જયઘોષ વચ્ચે તેમણે મા ખોડલની ધ્વજા ચડાવાનો લહાવો લીધો હતો. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા પણ દર્શનાર્થે આવ્યા હતા.
જેમની મુલાકાતને નરેશભાઈ પટેલે પ્રેરણાદાયી ગણાવી હતી. તેમણે ટ્રસ્ટની ભાવિ યોજનાઓ અને સામાજિક કાર્યો અંગે આનંદીબેન પટેલ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે અન્ય ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.