રાજકોટ-ભાવનગર હાઈવે પર આટકોટ નજીક આવેલા કૈલાસનગર સરકારી દવાખાના પાસે સ્પીડ બ્રેકર (બમ્પ) પર રેડિયમ પટ્ટા ન હોવાથી અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાવાની ઘટનાઓ સામે આવી હતી. ગત રાત્રે આ જ બમ્પ પર અચાનક બ્રેક મારવાના કારણે પાછળથી આવતી ટ્રક અને ફોરવ્હીલર કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, રાજકોટ-ભાવનગર હાઈવે અત્યંત વ્યસ્ત માર્ગ છે. કૈલાસનગર સરકારી હોસ્પિટલ નજીક વાહનોની ગતિ ધીમી પાડવા માટે બમ્પ તો બનાવી દેવાયો છે, પરંતુ તેના પર વ્હાઇટ પટ્ટા કે રાત્રે ચમકે તેવા રેડિયમ સ્ટીકર લગાવાયા નથી. જેના કારણે રાત્રિના અંધારામાં દૂરથી આવતા વાહનચાલકોને બમ્પ હોવાનો ખ્યાલ જ આવતો નથી.
આ પટ્ટા ન હોવાના કારણે અત્યાર સુધીમાં અનેક વાહનો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. હાઈવે ઓથોરિટી દ્વારા જો તાત્કાલિક ધોરણે આ બમ્પ પર રેડિયમ પટ્ટા મારવામાં આવે તો જ અકસ્માતો અટકી શકે તેમ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાથી વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આ સરકારી દવાખાના પાસેનો બમ્પ ભારે જોખમી બન્યો છે. અંધારામાં બમ્પ ન દેખાવાના કારણે રોજ વાહનો પછડાય છે અને ચાલકો ઇજાગ્રસ્ત થાય છે. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં તંત્ર અહીં રેડિયમના પટ્ટા મારે અને ચેતવણીનું બોર્ડ લગાવે તે જરૂરી છે.