રાજકોટના પીવાના પાણીના આધારસ્રોત સમાન આજી-1 ડેમ 21મી વખત ઓવરફ્લો થયો છે અને છેલ્લા સાત વર્ષમાં સતત સાતમી વખત ઓવરફ્લો થયો છે. આજી-1 ડેમ ઓવરફ્લો થતાં હવે 31મી જાન્યુઆરી, 2026 સુધી તેનું પાણી ચાલશે. જ્યારે ન્યારી-1 ડેમ પણ 80 ટકા ભરાઇ ગયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યા અનુસાર શહેરની પાણીની વધતી જતી માંગને કારણે આજી-1 ડેમ વર્ષમાં 3 વખત સૌની યોજનાના પાણીથી ભરવો પડે છે. થોડા સમય પહેલાં 29 ફૂટની સપાટી ધરાવતા ડેમની 27 ફૂટ સુધીની સપાટી સૌની યોજનાના પાણીથી ભરી દીધી હતી ત્યારબાદ મેઘમહેર ચાલુ રહેતા આજી ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.
જ્યારે ન્યારી-1 ડેમમાં પણ અડધો ફૂટ નવાં નીરની આવક થતાં 80 ટકા જેટલો ભરાઇ ગયો છે. હાલમાં ન્યારી-1 ડેમમાં 995 એમસીએફટી પાણી છે. તેમજ ભાદર-1 ડેમમાં નવા પાણીની 0.25 ફૂટની આવક થતાં 34 ફૂટની સપાટી ધરાવતો ડેમ 29.55 ફૂટ ભરાઇ ગયો છે. આજી-1 ડેમ 2019થી સતત ઓવરફ્લો થઇ રહ્યો છે અને સતત સાતમી વખત ઓવરફ્લો થયો છે. જ્યારે ડેમ બંધાયો ત્યારથી અત્યાર સુધીમાં 21મી વખત ઓવરફ્લો થયો છે. આજી-1 સોમવારે 18 ઇંચનો ઓવરફ્લો ચાલુ છે.
આજી-1 ઓવરફ્લો થતાં બેડી, રોણકી, મનહરપુર, રાજકોટ અને થોરાળાના લોકોને સાવચેત રહેવા અને ન્યારી-1 80 ટકા ભરાઇ જતા રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે રાજકોટના ખંઢેરી, ઇશ્વરિયા, લોધિકા તાલુકાના હરિપર પાળ, વડવાજડી, ખંભાળા, ન્યારા, પડધરી, રામપર, રંગપુર, તરઘડી, ગઢીવાળી વેજડી, વેજાગામ, વેજાગામ વાજડી, વાજડી વીરડા ગામને એલર્ટ રહેવા ચેતવણી અપાઇ છે.