આજથી તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાનો ભવ્ય પ્રારંભ

સુરેન્દ્રનગરના થાનમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો આજે 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વર્ષે ‘સોડમ પુરાતન પાંચાળની’ થીમ સાથે યોજાઈ રહેલા આ મેળામાં લોકસંગીત, રાસ-ગરબા અને લોકસંસ્કૃતિના રંગ વચ્ચે આ વખતે રમતગમતનો ઉત્સાહ પણ જોવા મળશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તરણેતરમાં 21મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14-15-16 સપ્ટેમ્બર 3 દિવસ ભાઈઓ-બહેનો માટે પરંપરાગત રમતોની સાથે એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. તરણેતર લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડવાની સંભાવના છે. ઋષિ પંચમીના દિવસે અઢીથી ત્રણ લાખ જેટલી જનમેદની મેળામાં ઉમટતી હોય છે. વરસાદ વિલન ન બને તો આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા પહોંચશે.

તરણેતરનો મેળો ઝાલાવાડની લોકપરંપરા, લોકકલા અને ગ્રામ્ય જીવનશૈલીની આગવી ઓળખ ધરાવે છે. સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રે મળેલા પ્રોત્સાહનથી મેળાને વૈશ્વિક ઓળખ મળી છે. હવે ગ્રામીણ ઓલિમ્પિક જેવી રમતગમતની સ્પર્ધાઓ અને પશુ પ્રદર્શન સહિતના આયોજનોને કારણે તરણેતર મેળો લોકસંસ્કૃતિ, રમતગમત અને પ્રવાસનના ત્રિવેણી સંગમનું કેન્દ્ર બની રહ્યો છે.

14થી 17 સપ્ટેમ્બરના વિવિધ કાર્યક્રમો આજે 14 સપ્ટેમ્બર, ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થઈ છે. કાલે 15 સપ્ટેમ્બરે ચોથના દિવસે રંગત જામશે, યૌવન ખીલે અને રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલશે. ટીટોડો અને હૂડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *