રાજકોટ મનપામાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરોના પડતર પ્રશ્નો, 10 મહિનાના બાકી નાણાં સહિતના મામલે રાજકોટ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવીને રજૂઆત કરી છે અને હવે જો આ પ્રશ્નો નહીં ઉકેલાય તો મુખ્યમંત્રી માતૃવંદના યોજનાનો માલ કાર્યકરો નહીં ઉપાડે તેવી ચેતવણી આપી છે. કર્મચારી સંઘે પત્ર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ-2022થી શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી માતૃવંદના યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રો પરથી જ સીધા લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે.
બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ, એક કિલો તેલનું વિતરણ કરાઇ છે. આ યોજનાનો માલ સસ્તા અનાજની દુકાને ઉતર્યા બાદ આંગણવાડી કેન્દ્ર ખાતે બહેનો જાતે અથવા પોતાના ખર્ચે લઇ આવે છે. આ જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નથી. એક આંગણવાડી દીઠ રિક્ષા ભાડા પણ રૂ.250થી 600 થાય છે તે પણ બહેનોને પરત ન મળવાની રજૂઆતોનો ઉકેલ આવતો નથી. આથી હવે સસ્તા અનાજની દુકાને જે માલ ઉતરશે તે બહેનો દ્વારા ઉપાડવામાં નહીં આવે અને કેન્દ્રએ જથ્થો નહીં પહોંચવાના કારણે જે સ્થિતિ થશે તેની જવાબદારી તંત્રની રહેશે.