શહેરમાં રામનવમીના તહેવાર દરમિયાન મંદિરોમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લોહાનગરમાં ચારબાઇ મંદિરમાં ધ્વજા ચડાવતી વેળાએ વીજકરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું હતું. ધ્વજા ચડાવતી વેળાએ અન્ય પણ ત્રણ યુવક સાથે હોય તેનો બચાવ થયો હતો. બનાવની જાણ થતા એ.ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ રોડ પાસેના લોહાનગરમાં રહેતો રોહિત વિજયભાઇ કણસાગરિયા (ઉ.21) સવારે તેના ઘર પાસે આવેલા ચારબાઇ મંદિરે ધ્વજા ચડાવવા જતા વીજકરંટ લાગતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતા એ.ડિવિઝન પોલીસ મથકના જમાદાર લાભુભાઇ જતાપરા સહિતે તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં મૃતક બે ભાઇમાં નાનો હોવાનું અને મજૂરીકામ કરતો હતો અને પિતા હયાત ન હોય મોટા ભાઇ અને માતા સાથે રહેતો હોવાનું પરિવારે જણાવ્યું હતું.
પોલીસની વધુ તપાસમાં રવિવારે રામનવમીનો તહેવાર હોય રોહિત તેના ઘર પાસેના ચારબાઇ મંદિરે દર્શન કરવા ગયો હતો તે દરમિયાન મંદિરે ધ્વજા ચડાવવાની હોય અન્ય ત્રણ મિત્ર સાથે મંદિર પર ચડ્યો હતો તે દરમિયાન લોખંડનો પાઇપ વીજતારને અડી જતા બનાવ બન્યો હોવાનું જેમાં તેની સાથેના ત્રણ મિત્રને પણ બચાવવા જતા વીજકરંટ લાગ્યો હોવાનું પણ તેનો બચાવ થયો હતો અને વિજય ઉપરથી પટકાયો હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે. રામનવમીના તહેવાર પર જ યુવાનનું મૃત્યુ થતાં પરિવારજનોમાં ભારે શોક છવાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતા.