શહેરના રૈયાધાર વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે યુવક પર ચાર શખ્સે હુમલો કર્યો હતો. કાર થાર કેમ ઊભી નહોતી રાખી તેમ કહી પરિચિત સહિતના ચાર શખ્સે માથાકૂટ કરી પથ્થરના ઘા ઝીંક્યા હતા. હુમલામાં ઘવાયેલા યુવકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
રૈયાધાર બાર માળિયા ક્વાર્ટર્સમાં રહેતા સુધાબેન સુનિલભાઇ ધામેલિયા (ઉ.વ.45)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઋષિક ઉર્ફે ઋત્વિક પરેશ ડાભી, સાગર અશોક જોગિયાણી, કમલેશ જીવા વારગિયા અને ધ્રુવ ઉર્ફે ધુડિયોનું નામ આપ્યું હતું. ઝઘડો થતા સુધાબેન અને તેનો પુત્ર મયૂર સહિતના ત્યાં દોડી ગયા હતા તો આરોપીઓએ તેમને પણ ગાળો ભાંડી હતી અને મયૂરને ફડાકા ઝીંક્યા હતા એટલું જ નહીં ઋષિકે બાજુમાં પડેલો મોટો પથ્થર ઉઠાવી મયૂરને માથામાં ઝીંકી દીધો હતો. પથ્થરનો ઘા ઝનૂનથી ઝીંકાતા મયૂર લોહિયાળ હાલતમાં પડી ગયો હતો. હુમલાખોર ઋષિક જ ઘવાયેલા મયૂરને પોતાના સ્કૂટરમાં લઇ ગયો હતો, જ્યારે અન્ય આરોપી નાસી ગયા હતા. હુમલામાં મયૂરને ગંભીર ઇજા થઇ હોવાથી તેને રાજકોટ બાદ અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.