સુરતમાં સૌથી નાની વયના બાળકનું ઓર્ગન ડોનેશન કરાયું છે. સુરતમાં માત્ર સાડા ચાર દિવસના બાળકને દુનિયામાં આવ્યાના ગણતરીના કલાકોમાં ફરી દુનિયાને અલવિદા કરી છે. જો કે, તેના જન્મથી મૃત્યુ વચ્ચેના 111 કલાકમાં તેણે 6 લોકોને નવજીવન આપ્યું છે. બાળક જન્મ્યાં બાદ રડ્યું ન હતું કે કોઈ હલનચલન કર્યું ન હતું. ચાઇલ્ડ હોસ્પિટલમાં ICUમાં સારવાર અપાઈ હતી. જો કે, ડોક્ટરે બાળકને બ્રેઇન ડેડ જાહેર કરતાં પરિવારે બાળકની અંગદાન કરવા સહમતી આપી હતી.
અંગદાન ક્ષેત્રે સુરતમાં અનેક પ્રકારની પ્રવૃતિ ચાલે છે. આજે માત્ર ચાર જ દિવસના બાળકના અંગદાન માટે પરિવારને સમજાવીને એક અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે. બાળકોના અંગદાનમાં સંભવત: ભારતનું સૌથી નાની વયનું અંગદાન કરનાર સુરતનું બાળક બન્યું છે. વિશ્વમાં પણ જન્મના કલાકોમાં અંગદાન કરનાર બીજું જ બાળક છે.
સંઘાણી પરિવારે સમાજને ઉદાહરણ પુરુ પાડ્યું
અંગદાન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે, જેમાં આજે થયેલા અંગદાન પવિત્ર નવરાત્રિ દરમિયાન શક્તિનું અનેક અનોખું જ સ્વરૂપ જોવા મળ્યું છે. જન્મથી રડી કે હલનચલન કરી ન શકેલા બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય શક્તિસ્વરૂપા એવા દાદી અને માતાએ લઈને સમાજને ઉદાહરણ પુરુ પાડ્યું છે. હાલ સુરતના વાલક પાટીયા પાસે ગીતાંજલી રો હાઉસમાં રહેતા અને મૂળ અમરેલી નજીકના માળીલાના વતની હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દીકરાનો જન્મ ડૉ. સંજય પીપળવા કલરવ હોસ્પિટલમાં થયો હતો.