રાજકોટની યંગ પેરા સ્વિમરને રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ

રાજકોટની યંગ પેરા સ્વિમર નિતી રાઠોડ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બની છે. માત્ર 19 વર્ષની ઉંમરે શ્રેષ્ઠ દિવ્યાંગજન તરીકેનો સર્વોચ્ચ પુરસ્કાર મેળવતી તે ગુજરાતની એક માત્ર દીકરી છે. માનસિક દિવ્યાંગતાને મ્હાત આપતી આ પેરા સ્વિમર તરવૈયાઓને પણ હંફાવે તેવી અદભૂત રીતે સ્વિમિંગ કરી રહી છે. સ્વિમિંગની 14 કેટેગરીમાં પારંગત આ દિકરી જ્યારે 7 વર્ષની હતી, ત્યારે પાણી પ્રત્યે ભારે લગાવને કારણે માતા-પિતાએ તેને સ્વિમિંગ શીખવવાનો નિર્ણય કર્યો. બાદમાં દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક સ્વિમિંગ શીખવવાનો સેવાયજ્ઞ કરી રહેલા વિપુલ ભટ્ટ પાસે માતા-પિતા પહોંચ્યા અને ડાઉન સિન્ડ્રોમ ધરાવતી નિતીએ સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યુ.

બાદમાં 10 વર્ષની ઉંમરે નિતીએ જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પેશ્યલ ઓલમ્પિકમાં પ્રથમ સ્થાન મેળવ્યું. જોતજોતામાં આ દીકરીની સફર રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગઈ. જેથી આ દીકરીનું રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ સન્માન કરવાનું નક્કી થયુ અને 3 ડિસેમ્બરના દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુંના હસ્તે નિતીને શ્રેષ્ઠ દિવ્યાંગજન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેનાં બીજા જ દિવસે તે ચેન્નાઇમાં ઇન્ટરનેશનલ સિલેકશનમાં પહોંચી. એશિયન ગેમ્સ અને પેરા ઓલમ્પિક માટેની આ સિલેકશન ગેમમાં તેને બબ્બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તેના પરિવાર અને રાજકોટનું નામ રોશન કર્યુ છે. દિવ્યાંગ બાળકોની રોલ મોડેલ બનતી નિતીનુ વિશ્વની સર્વશ્રેષ્ઠ પેરા ઓલમ્પિક ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી ભારત દેશનું નામ રોશન કરવાનું સ્વપ્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *