શહેરમાં જામનગર રોડ પર નાગેશ્વર નજીક મકરસંક્રાંતિની સાંજે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં બેકાબૂ ટેમ્પો ટ્રાવેલ્સે બે બાઇકને ઠોકરે લેતા મચ્છોનગરના યુવકને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય બાઇકમાં ત્રણને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
માધાપર ચોકડી પાસે મચ્છોનગરમાં રહેતા મનસુખભાઇ બાબુભાઇ ગોહેલ કામ માટે તેનું બાઇક લઇને જતા ત્યારે નાગેશ્વર પાસે બેકાબૂ ટેમ્પાએ ઠોકરે લીધા હતા તે ઉપરાંત અન્ય બાઇકને ઠોકરે લેતા વાવડી ગામે રહેતા કમલેશભાઇ રૂકમાભાઇ વાસ્કલા સાવંતીબેન કમલેશભાઇ (ઉ.30) અને તેની પુત્રી સારિકા કમલેશભાઇ (ઉ.7)ને ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા મનસુખભાઇનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતા મૃતક મનસુખભાઇ બે ભાઇ ત્રણ બહેનમાં વચેટ હતા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને અલગ-અલગ કારખાનામાં સફાઇ કામદાર તરીકે કામ કરતા હોય અને કામ માટે ઘેરથી નીકળ્યા હતા અને વચ્ચે તેના મિત્રને સાથે કામ માટે લઇ જવાના હોય પરંતુ ત્યાં નહીં પહોંચતા તેના મિત્રએ જાણ કરી તેના પરિવાર સાથે મનસુખભાઇની શોધખોળ કરતા નાગેશ્વર પાસે અકસ્માતની જાણ થયાનું પરિવારે જણાવ્યું હતું.