શહેરમાં લીમડા ચોક પાસેના પેટ્રોલ પંપ નજીક ઉપાશ્રયમાં બીજા માળે લિફ્ટનું કામ કરતી વેળાએ વીજશોક લાગતાં પડી જતાં યુવકનું મોત નીપજ્યું હતું. વીજશોક લાગતાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેના સગાએ અન્ય હોસ્પિટલમાં લઇ જવાની નોંધ કરાવી હોય, પરંતુ અન્ય હોસ્પિટલમાં લઇ જાય તે પહેલાં જ યુવકનું મોત નીપજતાં મહિલા તબીબે કલાકો લાશ રઝળાવી હોવાનો યુવકના પરિવારે આક્ષેપ કર્યો હતો. બાદમાં હોસ્પિટલના સ્ટાફે મામલો થાળે પાડ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જંગલેશ્વરમાં રહેતો અને મુળ યુપીનો સુરેશ ઉર્ફે સૂર્યા રામકિશોર નિશાદ (ઉ.41) રવિવારે સાંજે પંચનાથ પ્લોટમાં જૈન ઉપાશ્રયમાં લિફ્ટનું કામ કરતો હતો ત્યારે બીજા માળે કામ કરતી વેળાએ હાથમાં તણી હોય નજીકમાં પસાર થતી વીજલાઇનને અડી જતાં વીજકરંટ લાગતાં બીજા માળેથી પટકાતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવને પગલે પોલીસે તપાસ કરતા મૃતક ચાર ભાઇ અને બે બહેનોમાં મોટો હતો અને વર્ષોથી રાજકોટ રહી લિફ્ટ રિપેરિંગનું છૂટક કામ કરતો હોય અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું પરિવારે જણાવ્યું હતું. યુવકને વીજશોક લાગતાં બીજા માળેથી પટકાતાં અન્ય મજૂરો તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાંથી અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે નોંધ કરાવી હતી, પરંતુ યુવકનું સિવિલ હોસ્પિટલમાં જ મોત નીપજતા આગળની કાર્યવાહી મહિલા તબીબે ન કરી લાશને રઝળાવી હોવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ હોસ્પિટલના સ્ટાફે સમજાવટ કરતાં મામલો થાળે પડ્યો હતો.