શહેરમાં રૈયાધાર પાસે રાણીમા રૂડીમા ચોક પાસેના આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા સચિનભાઇ રમેશભાઇ ચાવડા (ઉ.32) એ પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. મોડે સુધી રૂમમાંથી બહાર નહીં આવતા યુવકની માતાએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ નહીં ખોલતા તેને પાડોશીઓને બોલાવી દરવાજો તોડીને તપાસ કરતાં પુત્ર લટકતો નજરે પડ્યો હતો. બનાવની જાણ થતાં 108ની ટીમના તબીબે યુવકને મૃત જાહેર કરતા યુનિવર્સિટી પોલીસ મથકના જમાદાર જીતુભાઇ બાળા સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે.
પોલીસની તપાસમાં મૃતક યુવાન બે ભાઇ એક બહેનમાં વચેટ હોવાનું અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતો હોવાનું તેમજ માતા-પિતા સાથે રહેતો હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં યુવકની પત્ની છેલ્લા બે વર્ષથી રિસામણે ચાલી હોય અને અવારનવાર તેડવા જવા છતાં આવતી ન હોય જેથી લાગી આવતા આ પગલું ભરીલીધાનું પોલીસની તપાસમાં બહાર આવતા વધુ કાર્યવાહી કરી છે.