યાજ્ઞિક રોડ 4 માસ બે ભાગમાં વહેંચાઇ જશે, સર્વેશ્વર ચોકથી પસાર નહીં થઇ શકાય

શહેરના હાર્દસમા ડો.યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકના નાળા પરનો ભાગ ધરાશાયી થયા બાદ આ ચોક અને રોડને જોડતા હયાત વોંકળાનું ડાયવર્ઝન કરી નવું બોક્સ કલવર્ટ બનાવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સર્વેશ્વર ચોક પાસેનું કામ પૂર્ણતાની નજીક છે અને હવે ટૂંક સમયમાં નાગરિક બેંક પાસે ડો.યાજ્ઞિક રોડ પર કામ શરૂ કરવાનું હોય સર્વેશ્વર ચોક પરના રોડ પર વાહનોના આવન જાવન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે અને આ માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

શહેરના આ યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાંથી દરરોજ અંદાજે 30 હજાર જેટલા વાહનો પસાર થાય છે અને આગામી ચાર મહિના સુધી આ માર્ગ બંધ રહેશે. પોલીસ કમિશનર દ્વારા આ અંગેનું જાહેરનામું તા.4 એપ્રિલના પ્રસિદ્ધ કરી દેવાયું છે. મહાનગર પાલિકા આગામી દિવસોમાં આ માર્ગ પર પતરાં બાંધી રસ્તો બંધ કરી દેશે અને જાહેરનામાનો ત્યારથી અમલ શરૂ થઇ જશે.

કામપૂર્ણ ન થાય ત્યાં સુધી ડો.દસ્તુર માર્ગ વન-વેને બદલે ટૂ-વે કરાયો યાજ્ઞિક રોડ પાસેનો ડો.દસ્તુર માર્ગ હાલમાં વન-વે છે, પરંતુ સર્વેશ્વર ચોક પાસેનું કામ શરૂ કરાતા યાજ્ઞિક રોડ પરથી વાહન પસાર થતાં બંધ કરવામાં આવ્યા છે ત્યારે ડો.દસ્તુર માર્ગને આ કામ પૂરું ન થાય ત્યાં સુધી ટૂ-વે જાહેર કરવામાં આવ્યો છે.

સર્વેશ્વર ચોકની આસપાસની દુકાનો-ઓફિસના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરાશે જાહેરનામામાં દર્શાવાયું હતું કે, સર્વેશ્વર ચોક ખાતે આવેલ બંને સાઇડના રસ્તા પર 50-50 મીટર રોડ બંધ કરવામાં આવશે એના સિવાય યાજ્ઞિક રોડ ઉપર વાહનોની અવરજવર ચાલુ રહેશે. સર્વેશ્વર ચોકની આસપાસની દુકાનો અને ઓફિસના વાહનધારકોના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *