ગુજરાત જાયન્ટ્સ (GG) એ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના એલિમિનેટરમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે WPL ઇતિહાસમાં પહેલીવાર મુંબઈ ઇન્ડિયન્સને હરાવી અને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. વડોદરામાં શુક્રવારે ગુજરાતે 11 રનથી મુકાબલો જીત્યો. ટીમ તરફથી લેગ સ્પિનર જ્યોર્જિયા વેરહેમે બેટિંગમાં 44 રન બનાવ્યા બાદ બોલિંગમાં 2 વિકેટ પણ લીધી.
ગાર્ડનર-વેરહેમે ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી
કોટામ્બી સ્ટેડિયમમાં ગુજરાતે બેટિંગ પસંદ કરી. ટીમે ત્રીજી ઓવરમાં બેથ મૂનીની વિકેટ ગુમાવી દીધી, તે માત્ર 5 રન જ બનાવી શકી. સોફી ડિવાઇને પછી અનુષ્કા શર્મા સાથે ટીમને 50 રન પાર પહોંચાડી. અનુષ્કા 33 અને ડિવાઇન 25 રન બનાવીને આઉટ થઈ.
કેપ્ટન એશ્લે ગાર્ડનરે પછી જ્યોર્જિયા વેરહેમ સાથે ટીમને 167 રન સુધી પહોંચાડી. ગાર્ડનરે 46 અને વેરહેમે 44 રન બનાવ્યા. મુંબઈ તરફથી અમિલિયા કરએ 2 વિકેટ લીધી. શબનિમ ઇસ્માઇલ અને નેટ સિવર-બ્રન્ટને 1-1 વિકેટ મળી.
168 રનના ટાર્ગેટ સામે મુંબઈએ 37 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી. હેલી મેથ્યુઝ 6, નેટ સિવર-બ્રન્ટ 2 અને સજીવન સાજના 26 રન બનાવીને આઉટ થઈ ગઈ. કેપ્ટન હરમનપ્રીત કૌરે ફરી એમેલિયા કર સાથે ટીમને 80 રન પાર પહોંચાડી. એમેલિયા 20 રન બનાવીને આઉટ થઈ. તેમના પછી અમનજોત કૌર 13 અને સંસ્કૃતિ ગુપ્તા ખાતું ખોલ્યા વગર આઉટ થઈ ગઈ.
હરમનપ્રીતે ફિફ્ટી ફટકારીને ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થઈ શકી. કેપ્ટન 82 રન બનાવીને નોટઆઉટ રહી અને ટીમે 11 રનથી મેચ ગુમાવી દીધી. ગુજરાત તરફથી સોફી ડિવાઇન અને વેરહેમે 2-2 વિકેટ લીધી. કાશવી ગૌતમ, એશ્લે ગાર્ડનર અને રાજેશ્વરી ગાયકવાડને 1-1 વિકેટ મળી.