પાવન પર્વ નવરાત્રિનું ત્રીજું નોરતું એટલે મા નવદુર્ગાના ચંદ્રઘંટા રૂપની આરાધનાનો અવસર. દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની દસ ભુજા છે અને દસેય ભુજામાં અસ્ત્ર-શસ્ત્ર છે. દેવીએ હાથોમાં ધનુષ-બાણ, તલવાર, ત્રિશૂળ, ગદા તેમજ કમળ અને કમંડળ ધારણ કરેલાં છે. દેવીના કંઠમાં સફેદ પુષ્પની માળા અને મસ્તક પર રત્નજડિત મુગટ વિદ્યમાન છે. દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે.
અસુરોના વિનાશ માટે માતા દુર્ગાથી દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયાં. દેવી ચંદ્રઘંટાને ભયંકર દૈત્ય સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો. ચંદ્રઘંટા માતા દુર્ગાનું જ શક્તિરૂપ છે, જે સંપૂર્ણ જગની પીડાનો નાશ કરે છે. દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને વાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ ત્રીજા દિવસની પૂજાને અત્યધિક મહત્ત્વપૂર્ણ માનવામાં આવી છે.
પૌરાણિક કથા અનુસાર, દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે મા દુર્ગાએ ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું હતું. પ્રચલિત કથા અનુસાર, મહિષાસુર નામના રાક્ષસે દેવરાજ ઈન્દ્રના સિંહાસન પર આધિપત્ય જમાવી લીધું. તેણે દેવતાઓને વશ કરીને સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કર્યું. એનાથી દેવતાઓ ખૂબ ચિંતિત થયા. દેવતાઓએ આ મુશ્કેલી માટે ત્રિદેવ, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મદદ લીધી. મહિષાસુરનાં દુષ્કૃત્યો સાંભળીને ત્રિદેવ ગુસ્સે થયા. આ ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઊર્જા ઉત્પન્ન થઈ, જેમાંથી એક દેવીએ જન્મ લીધો. તે દેવીને ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી. ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું. પછી એ જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાનાં શસ્ત્રો માતાને સોંપી દીધાં. દેવીનું આ સ્વરૂપ એટલે જ ચંદ્રઘંટા. આ પછી જ્યારે માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા પહોંચ્યાં તો માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેના મૃત્યુનો સમય નજીક છે. મહિષાસુરે માતાજી પર હુમલો કર્યો અને મા ચંદ્રઘંટાએ તે જ ઘડીએ તેનો વધ કરી દીધો. મા ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી હતી, એટલે કે રક્ષા માટે મા ચંદ્રઘંટાના પૂજનનો સવિશેષ મહિમા છે.