શહેરમાં શાપર પાસે આવેલા ગોલ્ડન ગેટ-2માં ડાઇ કાસ્ટિંગની ફેક્ટરીમાં મોડી રાત્રીના બોઇલર ફાટતાં આગ ભભૂકી ઉઠતા રાજકોટ રહેતા ફેક્ટરીના સંચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે ભાગીદાર સહિત ત્રણ દાઝી જતાં તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં દાઝેલા શ્રમિકનું સારવારમાં મોત નીપજ્યું હતું.
શાપર નજીક આવેલા પ્રિસિઝન એલોય કાસ્ટ નામની ફેક્ટરીમાં તા.9ના રોજ રાત્રીના બોઇલર લીકેજના કારણે આગ ભભૂકી ઉઠતા ફેક્ટરીના સંચાલક મોરબી રોડ પર શિવમ પાર્કમાં રહેતા ભરતભાઇ ધીરૂભાઇ કાકડિયા, તેના ભાઇ જયેશભાઇ અને ભાગીદાર પીયૂષભાઇ ગોરધનભાઇ પીપળિયા તેમજ શ્રમિક પ્રદ્યુમ્ન રામકુવાલ રજપૂત દાઝી જતાં તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમા સંચાલક ભરતભાઇનું મોત નીપજ્યું હતું. બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા શ્રમિક પ્રદ્યુમ્નનું મોત નીપજતા પોલીસે કાર્યવાહી કરી છે.
પોલીસની તપાસમાં મૃતક પ્રદ્યુમ્ન બે ભાઇ એક બહેનમાં નાનો હતો અને તેના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હોવાનું પરિવારે જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.