રાજકોટ સાત દિવસ બાદ ફરી માર્કેટિંગ યાર્ડમાં કામકાજ શરૂ

રાજકોટમાં 7 દિવસ સુધી ચાલેલી હડતાલ બાદ આખરે રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ આજથી ફરી ધમધમતું બન્યું છે. યાર્ડમાં આજ સવારથી જ જણસીની આવક શરૂ થઈ છે અને વેપારીઓ તેમજ કમિશન એજન્ટોમાં ફરીથી ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ હરરાજીની પ્રક્રિયા પણ આજથી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

જીરાના કેટલાક વેપારીઓ દ્વારા આશરે સત્તર કરોડ રૂપિયાનું જીરું લઈને કમિશન એજન્ટો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં કમિશન એજન્ટોએ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું હતું, જેના કારણે યાર્ડમાં છેલ્લા સાત દિવસથી તમામ પ્રકારની કામગીરી ઠપ થઈ ગઈ હતી. જોકે ગઈકાલે કમિશન એજન્ટો અને યાર્ડનાં સત્તાધીશોની બેઠક બાદ હડતાળ સમેટી લેવાનો નિર્ણય લેવાયો હતો. કમિશન એજન્ટ એસોસીએશન પ્રમુખ અતુલ કમાણીએ સાત દિવસમાં રૂ. 250 કરોડથી વધુનું ટર્નઓવર અટક્યું હોવાનું કહ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ, માર્કેટિંગ યાર્ડમાં જે. કે. ટ્રેડિંગ નામે પેઢી ધરાવતા ઢોલરીયા બંધુઓ દ્વારા 145 કમિશન એજન્ટો સાથે રૂ. 17.19 કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી. જોકે પોલીસે બે દિવસમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા, પરંતુ જ્યાં સુધી પોતાનાં રૂપિયા પરત ન મળે ત્યાં સુધી હડતાળ યથાવત્ રાખવાનો નિર્ણય કમિશન એજન્ટો દ્વારા કરવામાં આવ્યો હતો. ગઈકાલે આ મામલે યાર્ડના સત્તાધીશો તેમજ કમિશન એજન્ટો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં માર્કેટિંગ યાર્ડ પ્રમુખ જયેશ બોધરાએ કમિશન એજન્ટોને ત્રણ-ચાર મહિનામાં તેમની રકમ પરત મળી જશે તેવું જણાવ્યું હતું. જેને લઈને કમિશન એજન્ટો દ્વારા આજથી યાર્ડ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત આજથી કામકાજ શરૂ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *