મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ‘મહિલા સ્વાવલંબન યોજના’ હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી સહાય અપાશે. જે અંતર્ગત બ્યૂટી પાર્લર, દરજીકામ, અગરબત્તી તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવે છે. રૂ.2 લાખ સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ 18 થી 65 વર્ષ સુધીની વયની રાજ્યની કોઈપણ મહિલાને મળવાપાત્ર છે. સબસીડીનું ધોરણ કેટેગરી મુજબ ઓછામાં ઓછું પ્રોજેક્ટ કોસ્ટના 30% અથવા મહત્તમ રૂ.60,000 બંનેમાંથી જે ઓછું હોય તે અને વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટના 40% અથવા મહત્તમ રૂ.80,000 બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત નિયત નમૂનાના અરજી ફોર્મ સાથે બે નકલમાં ડોક્યુમેન્ટ જોડી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-3, બીજો માળ, બ્લોક નં.-2, રાજકોટ ખાતે મોકલવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જણાવાયું છે.