શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.13ના આંબેડકરનગરમાં દૂષિત પાણી વિતરણથી નારાજ મહિલાઓ પાણીની બોટલ લઇને વોર્ડ ઓફિસે પહોંચ્યા હતા અને 24 કલાકમાં આ પ્રશ્નનો હલ ન થાય તો કમિશનરની ચેમ્બરમાં દૂષિત પાણી ઢોળવાની ચીમકી ઉચ્ચારી હતી.
વોર્ડ નં.13ના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની અધ્યક્ષતામાં આંબેડકરનગરમાં રહેતી મહિલાઓ દૂષિત પાણીની બોટલો ભરીને વોર્ડ ઓફિસે પહોંચી હતી અને ઘણા સમયથી દૂષિત પાણી વિતરણ મુદ્દે રજૂઆત કરી હતી. ભૂતકાળમાં પણ દૂષિત પાણી અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 20 દિવસથી ફરી દૂષિત પાણી વિતરણ કરાતાં મહિલાઓ વિફરી હતી અને ઉગ્ર રજૂઆત કર્યા બાદ એન્જિનિયરને કાલ સુધીમાં પ્રશ્ન હલ નહીં થાય તો કમિશનરની ચેમ્બરમાં દૂષિત પાણી ઢોળવાની ચીમકી આપતા અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. મહિલાઓએ જો હવે દૂષિત પાણી મળશે તો મંગળવારે બપોરે 12 વાગ્યે મનપાની ઓફિસે મળીશું તેમ સ્પષ્ટ ચીમકી આપી હતી.