રાજકોટના ભીલવાસમાં રહેતા અને ઓરકેસ્ટ્રામાં કામ કરતા પારસભાઈ પરસોતમભાઈ વાઘેલા(ઉ.વ.40) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પત્ની શ્વેતા અને તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, પત્ની શ્વેતા દોઢેક વર્ષ પહેલા અલગ રહેવા જતી રહી હતી. સાથે તેના પુત્ર અક્ષતને પણ લેતી ગઇ હતી. પુત્ર પરત મેળવવા પતિએ કોર્ટમાં કેસ કર્યો હોય, જેમાં જીતી જ્યાં પુત્રની સોંપણી કોર્ટે તેને આપી છે. જેથી પત્નીએ તેની સામે કોર્ટમાં છૂટાછેડાનો કેસ કર્યો હોય જે કેસ હાલ કોર્ટમાં ચાલે છે.
ગત તા.16/07ના બપોરના ફરિયાદી એક્ટિવા લઈને નવી કોર્ટથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે માધાપર ચોકડીના પૂલ પાસે પહોંચતા પત્ની શ્વેતા વાહનને યુવાનની પાછળ દોડાવ્યું અને ‘તું કેમ કોર્ટમાં આવ્યો તો ? તુ અહીં ઉભો રે?’’ એમ કહી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ફરિયાદી પતિએ એક્ટિવા લઈ જતા રહેતા, રસ્તામાં જામનગર રોડ વાંકાનેર સોસાયટી પાસે પહોંચ્યો હોય જ્યાં પણ તેની પત્ની તેનો પીછો કરી પહોંચી ગઈ હોય અને ત્યાં પહોંચીને તેણે એક્ટિવાને પાટુ મારતા ફરિયાદી એક્ટિવા સાથે નીચે પટકાયો હતો.
શરીરે ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં ટ્રોમા સેન્ટરમાં દાખલ હતો ત્યારે બપોરના સમયે ફરિયાદીની પત્ની શ્વેતા તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. જેમાંના એકે છરી બતાવી કહ્યું કે, ‘તું કેમ શ્વેતાબેનને હેરાન કરે છે?’ ફરિયાદીના પડોશીએ જણાવ્યા મુજબ, પત્ની તેની સાથે ત્રણ શખ્સોને લઈને ફરિયાદીના ઘરે પણ પહોંચી હતી. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો હતો.