શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘેર જઇ માજોઠીનગરમાં રહેતા અને પૂર્વ પ્રેમીએ જેલમાંથી છૂટીને આવ્યા બાદ ફરી પોતાની સાથે સંબંધ રાખવા માટે કહી મારકૂટ કરી ધમકી આપ્યાની ફરિયાદ કરતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જંગલેશ્વરમાં રહેતી પરિણીતાએ માજોઠીનગરમાં રહેતો ફારૂક ઉર્ફે જમાલ સલીમભાઇ મેણ નામના શખ્સ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અગાઉ પતિ અને સંતાનો સાથે દૂધસાગર રોડ પર રહેતા હોય પાડોશમાં રહેતા ફારૂક ઉર્ફે જમાલ સાથે પ્રેમસંબંધ હોય બાદમાં જમાલ ઉર્ફે ફારૂક જેલમાં જતા મહિલા પરિવાર સાથે જંગલેશ્વરમાં તેના પિતા સાથે રહેવા જતા રહ્યા હતા. બાદમાં જમાલ જેલમાંથી બહાર આવ્યો હોય 15 દિવસ પહેલાં તેના ઘેર આવ્યો હતો અને ઝઘડો કર્યો હતો. બાદમાં તા.30ના દિવસે ઘેર આવી તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો પડશે નહીંતર તને મારી નાખીશ કહેતા મહિલાએ હવે કોઇ સંબંધ નથી રાખવો તેમ કહેતા તેને મારકૂટ કરી નાસી ગયો હોવાનું જણાવતા એએસઆઇ કલ્પેશસિંહ સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.