રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે વંથલીના ટીનમસ ગામના રાહુલ હૂંબલ નામના ખાનગી બસના ડ્રાઈવરે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2022માં મહિલા જૂનાગઢ માનતા ઉતારવા જતી હતી ત્યારે ખાનગી બસમાં ડ્રાઇવર રાહુલ સાથે પરિચય થયો હતો અને મહિલાની પુત્રીનું અવસાન થતાં તે ડિપ્રેશનમાં ચાલી જતા આરોપીએ ફાયદો ઉઠાવી અવારનવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. રાજકોટના વાવડી ગામ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે રાહુલ લાખા હૂંબલનું નામ આપતાં તાલુકા પોલીસે દુષ્કર્મ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેના પતિ અને બે સંતાન સાથે છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં રહે છે અને તેના પતિ ડ્રાઇવિંગ કામ તેમજ પોતે ઘર બેઠાં સીવણ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ વર્ષ 2022માં જૂનાગઢ ભવનાથ માનતા ઉતારવા જવું હોય જેથી સવારના સમયે ગોંડલ ચોકડી પર આવી ત્યાંથી પસાર થયેલા ખાનગી બસમાં જૂનાગઢ જવા માટે બેસેલો ત્યારે તેમાં ડ્રાઇવર તરીકે રાહુલ હતો. જેમને બસ બુકીંગ બાબતે વાતચીત કરતાં બંનેએ અરસપરસ નંબરની આપલે કરી હતી આ પછી તે દરરોજ ગુડ મોર્નિંગના મેસેજ કરતો હતો. દરમિયાન ફરિયાદી ગર્ભવતી બની હતી અને તેમને જન્મેલ બાળકનું મોત નીપજતાં તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.
આરોપીએ તેમને પોતાના ગામ ટીનમસ આવવા જણાવ્યું અને પરિવાર સાથે મળવાનું કહેતાં તેણી ટીનમસ પોતાના બે સંતાનો સાથે ગઈ હતી. આરોપીના ઘરે તેમની પત્ની, બે પુત્રી અને તેમની માતા હતી જ્યાં આરોપીએ તેમના પરિવારને તેમના મિત્રની પત્ની છે તેવું કહ્યું હતું. બાદમાં તેઓ સાથે મઢડા, સોમનાથ ફરવા માટે ગયાં હતાં. ઉપરાંત આરોપી અને તેમનો પરિવાર કચ્છ ફરવા જતો હતો ત્યારે પણ તેણીને સંતાનો સાથે ફરવા લઈ જતાં એક પારિવારિક સબંધ બંધાયા હતાં. જે બાદ ફરિયાદીને તેમના પતિ સાથે માથાકૂટ ચાલતી હતી. જેમનો ફાયદો ઉઠાવી આરોપી ગત જુલાઈ માસમાં તેણીના પતિની અને સંતાનોની ગેરહાજરીમાં ઘરે આવ્યો હતો અને તું તારા પતિનો કેમ ત્રાસ સહન કરે છે તું એમને મૂકી દે હું તારી સાથે લગ્ન કરીશ કહેતાં તેમને તેમના પત્નીનું પૂછતા તેને કહ્યું કે, હું પણ મારી પત્નીથી કંટાળી ગયો છું, તું તારા પતિથી છૂટાછેડા લઈ લે હું મારી પત્નીથી છૂટો થઈ જઈશ કહી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.