શહેરમાં આજી જીઆઇડીસીથી આજી ડેમ ચોકડી વચ્ચે પૂરપાટ ડમ્પરે ઠોકરે લેતા રિક્ષા પલટી જતાં કેટરર્સના કર્મચારી મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષાચાલક સહિત બેને ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે આજી ડેમ પોલીસે કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે વેલનાથ સોસાયટીમાં રહેતા ઇન્દુબેન વિનુભાઇ કસરેજા (ઉ.40) રિક્ષામાં બેસીને કામે જતા હતા ત્યારે આજી જીઆઇડીસી પાસે ડમ્પરે ઠોકરે લેતાં રિક્ષા પલટી જતાં ઇન્દુબેન તેમજ રિક્ષાચાલક અરવિંદભાઇ સોલંકી, રંજનબેન અને એક અજાણી મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઇન્દુબેનનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ રાઠોડ સહિતે તપાસ કરતાં મૃતક મહિલાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્ર હોવાનું અને મૃતક મહિલા કેટરર્સનું કામ કરતા હતા. આજે અન્ય મહિલાઓ સાથે તેના ઘર નજીક રહેતા રિક્ષાચાલક અરવિંદભાઇની રિક્ષામાં બેસી કેટરર્સના કામે જતા હતા અને આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.