નવાગામ પાસેના સોખડામાં રહેતા વર્ષાબેન માધવભાઇ ગોરિયા (ઉ.વ.34) ગત તા.22 જાન્યુઆરીના સાંજે પોતાના ઘરે હતા ત્યારે સોખડામાં જ રહેતો પ્રકાશ પ્રવીણ સરવૈયા ઘરમાં ઘૂસી ગયો હતો અને વર્ષાબેન કંઇ સમજે તે પહેલાં પ્રકાશે પોતાની પાસેની સ્ટીલની બરણીનું ઢાંકણ ખોલી તેમાં રહેલું એસિડ વર્ષાબેન પર ઉડાડ્યું હતું. એસિડ એટેક કરી પ્રકાશ સરવૈયા નાસી ગયો હતો. દાઝી ગયેલા વર્ષાબેનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કુવાડવા પોલીસ હોસ્પિટલે પહોંચી હતી. વર્ષાબેને આ અંગે પ્રકાશ સરવૈયા સામે ફરિયાદ નોંધાવી હતી.
વર્ષાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનું પિયર કોઠારિયાનું જડેશ્વર છે, તેના સગા કાકા જેરામભાઇ મકવાણાની પુત્રી પારસની સગાઇ વર્ષાબેને સોખડામાં જ રહેતા પ્રકાશ સાથે એક વર્ષ પહેલાં કરાવી હતી, આ સગાઇ થયાના બે મહિના બાદ પારસે ભાગીને અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જેથી પ્રકાશ સરવૈયા વારંવાર વર્ષાબેનની ઘરે આવતો હતો અને ‘પારસ ક્યા છે તેની પુછપરછ કરી પારસને શોધીને લાવતા નથી, તમારે તેને શોધવા ન જવું હોય તો મને સરનામું આપો, હું તેને શોધી લાવીશ’ તેમ કહેતો હતો. તા.22 જાન્યુઅારીના પણ તે વર્ષાબેનના ઘરમાં ઘુસ્યો હતો અને આ વાત પૂછ્યા બાદ એસિડ એટેક કરી દીધો હતો. પોલીસે વર્ષાબેનની ફરિયાદ પરથી તત્કાલીન સમયે પ્રકાશ સરવૈયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. દરમિયાન બુધવારે સવારે વર્ષાબેનનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. વર્ષાબેનનાં મોતથી તેના બે સંતાને માતાની હૂંફ ગુમાવી હતી.