રેલનગર વિસ્તારમાં આવેલી સુભાષચંદ્ર ટાઉનશીપમાં ભાડેથી રહેતા અંજુમબેન રહિમભાઇ કુરેશીને ગુરૂવારે રાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. અંજુમબેનના પતિ રહિમભાઇ કુરેશીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે લિફ્ટ રિપેરિંગનું કામ કરે છે અને આ ટાઉનશીપમાં ભાડેથી રહે છે. મકાન માલિકે ફ્લેટ વેચી નાખ્યો હોય પાંચેક દિવસમાં પોતે પણ આ ફ્લેટ ખાલી કરી અન્ય સ્થળે રહેવા જવાના છે.
દરમિયાન ગુરૂવારે રાત્રે ટાઉનશીપમાં પાણીના ટાંકા ભરવા બાબતે બેઠક યોજાઇ હતી અને પાણીના ટેન્કર મગાવવા માટે ઘરદીઠ રૂ.300-300 ઉઘરાવવાની વાત થઇ હતી જેથી રહિમભાઇ અને તેના પત્ની અંજુમબેને પોતે પાંચ જ દિવસમાં બીજે રહેવા જવાના હોય પોતે રૂ.300 આપી શકે નહીં, રકમ ઓછી કરી આપવી જોઇએ તેમ કહેતા પાડોશમાં રહેતા ઇમરાન અને તેની પત્ની રેહાનાએ ઉશ્કેરાઇને માથાકૂટ શરૂ કરી હતી, રેહાનાએ ધોકાનો ઘા અંજુમબેનને ઝીંકી દીધો હતો તો ઇમરાને ગાળો ભાંડી હતી. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.