લિવર સોરાયસિસની સારવાર કરાવવા ઇન્દોર આવેલા સુશીલ (નામ બદલ્યું છે.)નો મેડિક્લેમ કંપનીએ ફગાવી દીધો હતો. આ બીમારી માત્ર દારૂને કારણે નહીં, અન્ય ઘણાં કારણોસર થતી હોવા છતાં વધુ દારૂ પીવાને કારણે લિવર સોરાયસિસ થઈ શકે છે અને તેમણે પૉલિસી લેતી વખતે દારૂની લત હોવાનું કંપનીથી છાનું રાખ્યું હોવાનું કારણ આગળ ધરી ક્લેમ પાસ ન કર્યો. છેવટે સુશીલને હૉસ્પિટલનું 2.25 લાખ રૂપિયાનું બિલ ચૂકવવું પડ્યું હતું.
છેક છેલ્લી ઘડીએ મેડિક્લેમ રદ થયો હોય, એવો આ એક જ કેસ નથી. કોરોના પછી આવા કિસ્સા ઝડપથી વધ્યા છે. વીમા લોકપાલના અહેવાલ પ્રમાણે ગત વર્ષમાં તેમની પાસે હૅલ્થ ઇન્શ્યોરન્સ અંગેની 29,153 ફરિયાદો આવી હતી. તેમાંથી 80% એટલે કે 12,348 સાંભળ્યા વિના જ રદ કરી દેવાઈ હતી. મોટા ભાગની રદ કરાયેલી અરજીઓમાં કોઈ વ્યસન કે લત છુપાવ્યાનું કારણ અપાયું હતું. 20% કેસમાં જ ગાહકોને ન્યાય મળ્યો હતો.
વીમા કંપનીઓ કોઈ નક્કર કારણ આપ્યા વિના જ વીમાના ક્લેમ રદ કરતી હોવાનું ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું હતું. ગ્રાહક વીમા લોકપાસમાં રીજેક્શનને પડકારે છે ત્યારે તેઓને નિયમો અને શરતો લખેલાં 18 પાનાં પકડાવી દેવાય છે. અનેક કિસ્સામાં કંપનીઓ ક્લેમ સમયે ડૉક્ટરોને પ્રેફર્ડ નેટવર્કની બહાર રાખવાની ધમકી આપીને બીમારીને કોઈ લત સાથે સાંકળી દેવાનું દબાણ પણ કરે છે. આ સ્થિતિમાં ગ્રાહકો સીધા ગ્રાહક કોર્ટ કે હાઈ કોર્ટ પહોંચી રહ્યા છે.