ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ લીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો નોંધાયો છે. ઉનાળાની સિઝનમાં લીંબુની ડિમાન્ડ વધુ હોય છે તેવા સમયે જ લીંબુની અછત સામે ભાવ 100 રૂપિયાથી વધીને 150-200 રૂપિયે કિલો પહોંચી ગયો છે. જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડી રહી છે. ગુજરાતમાં શાકભાજીથી માંડીને શરબત, શેરડીના રસમાં વપરાતા લીંબુમાં 90 ટકાના તોતિંગ વધારાથી લીંબુ શિકંજી, શરબત લોકોના ખિસ્સા ખાલી કરાવશે.
ગરમીથી બચવા લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, શિકંજી સહિતની પીણાં પીતા હોય છે, જ્યારે તબીબો દ્વારા પણ ઉનાળાની ગરમીથી બચવા માટે અને શરીરને ઠંડક તથા એનર્જી માટે લીંબુ શરબત પીવાનું જણાવાતું હોય છે. તેવામાં ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિટેલ બજારમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ લીંબુના ભાવ 180થી 200 રૂપિયા કિલો અને કેટલાક દિવસ તો તેનાથી પણ વધુ ભાવમાં વેચાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં રમજાન મહિનો ચાલી રહ્યો છે તેમાં પણ લીંબુનું સેવન વધતું હોય છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હોલસેલ બજારમાં લીંબુના ભાવમાં મંદી ચાલી રહી છે તેમ અમદાવાદ APMC માર્કેટમાં લીંબુના હોલસેલ વેપારીએ જણાવ્યું હતું.