રાજકોટમાં ચાલુ વર્ષે ચોમાસુ લંબાતા અને છેલ્લે સુધી પૂર આવે તેવો વરસાદ થતા તેની અસર શિયાળુ વાવેતર પર પડી છે. ગત વર્ષની સરખામણીએ કૃષિ વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1.15 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે. જે ગતવર્ષનાં 1.46 લાખ કરતા 30 હજાર હેક્ટર જેટલું ઓછું છે. જોકે હજુપણ વાવણીનો સમય ચાલુ હોવાથી આગામી દિવસોમાં વાવેતર વધવાની શક્યતા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલનાં જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લાનાં વિવિધ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 1.15 લાખ હેક્ટરમાં વિવિધ શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 2.94 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે. ત્યારે હજુસુધી માત્ર 50 ટકા કરતા ઓછા વિસ્તારમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. ચાલુવર્ષે મોડે સુધી વરસાદ અને ત્યારબાદ ગરમીનો માહોલ હોવાથી વાવેતર ઘણું મોડું શરૂ થયું હતું. જેને લઈને ગતવર્ષનાં 1.43 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે માત્ર 1.15 લાખ હેક્ટર એટલે કે 30 હજાર હેક્ટર ઓછું વાવેતર થયું છે. જોકે હજુપણ વાવણી ચાલુ હોવાથી આગામી સમયમાં વાવેતર વધવાની શક્યતા છે.