150 ફૂટ રિંગ રોડ પર આવેલા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવાના બહાને જઇ ‘તુંકારો કેમ દીધો’ તેમ કહી ધમાલ કરી પેટ્રોલ પંપમાં તોડફોડ કરી હતી અને રૂ.20400 ઉઠાવી ગયા હતા. પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.
રૈયા રોડ પરના શિવપરામાં રહેતા અને 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ઓમ પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતાં વિવેક રમેશભાઇ વિરમગામાં (ઉ.વ.19)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અક્રમ, જયેશ ઉર્ફે અજય ભરવાડ ઉર્ફે લંગડો અને બે અજાણ્યા શખ્સ હોવાનું કહ્યું હતું. વિવેક વિરમગામાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંગળવારે મોડીરાત્રે પેટ્રોલ પંપ પર નોકરી ઉપર હતા ત્યારે અક્રમ દાઉદાણી, જયેશ ભરવાડ અને બે અજાણ્યા શખ્સ બે ટૂ વ્હિલર પર પેટ્રોલ પુરાવા માટે આવ્યા હતા. અક્રમ અવારનવાર પેટ્રોલ પુરાવા આવતો હોય તેનો પરિચય હોવાથી વિવેકે નામથી અક્રમને બોલાવ્યો હતો. તે સાથે જ અજય ભરવાડ સહિતના કહ્યું હતું કે, ‘તું અક્રમભાઇને તુંકારે કેમ બોલાવે છે?, અમે તેમને મામા તથા બાપુ કહીને બોલાવીએ છીએ’ તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા અને તને પતાવી દેવો છે તેવી ધમકી આપી ચારેય જતા રહ્યા હતા.
ત્યારપછી થોડીવાર બાદ અજય ભરવાડ અને બે અજાણ્યા શખ્સ ધસી આવ્યા હતા અને પેટ્રોલ પંપના પરિસરમાં ધમાલ શરૂ કરી હતી, ફ્યુલ પંપના રીફિલમાં છરીના ઘા ઝીંકવા લાગ્યા હતા, પથ્થરના ઘા કરી ઓફિસનો કાચ ફોડી નાખ્યો હતો, અને વિવેક પર છરીથી હલ્લો કર્યો હતો, જીવ બચાવવા વિવેક દોડીને ભાગ્યો હતો, આરોપીઓએ પણ તેનો પીછો શરૂ કર્યો હતો, વિવેક પાસે હિસાબના પૈસા રાખવાનું પર્સ હતું, હુમલાખોરો પકડી લેશે તેવા ભયથી વિવેકે રોકડા રૂ.20400 સાથેનું પર્સ ફેંકીને દૂર સલામત સ્થળે જતો રહ્યો હતો, થોડીવાર બાદ જયેશ સહિતના ત્રણેય હુમલાખોર નાસી ગયા હતા, સીસીટીવી ફૂટેજ ચેક કરતાં જયેશ ભરવાડ પર્સમાંથી રોકડ તફડાવીને પોતાના ખિસ્સામાં તે રકમ રાખતો દેખાયો હતો.