શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બિગ બજારની સામે આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ધુળેટીના દિવસે લાગેલી આગમાં ત્રણ યુવક ભડથું થઇ ગયા હતા, આ ચકચારી મામલામાં શનિવાર સાંજ પછી જવાબદારો સામે ગુનો નોંધાશે તેવા નિર્દેષો મળી રહ્યા છે, પીજીવીસીએલ તરફથી એક રિપોર્ટ બાકી હોય તે મળ્યે જવાબદારી નક્કી થઇ જશે અને જવાબદાર સામે પોલીસ કાર્યવાહી હાથ ધરશે.
એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં તા.14ને ધુળેટીના દિવસેે લાગેલી આગમાં વીર સાવરકરનગરમાં રહેતા સ્વિગીના ડિલિવરીમેન અજય ખીમજીભાઇ મકવાણા (ઉ.વ.31), બ્લિંકિટના ડિલિવરી બોય ઊના પંથકના વતની અને રાજકોટ રહેતા કલ્પેશ પીઠાભાઇ લેવા (ઉ.વ.29) અને તેના ભત્રીજા મયૂર વિનુભાઇ લેવા (ઉ.વ.19)નું દાઝી જવાથી મૃત્યુ થયું હતું, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટમાં વધુ એક અગ્નિકાંડ થતાં દેકારો મચી ગયો હતો, પોલીસે તત્કાલીન સમયે એ.ડી. (એક્સિડેન્ટલ ડેથ) નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસની તપાસમાં એ સ્પષ્ટ થયું હતું કે, બિલ્ડરે એપાર્ટમેન્ટ બનાવ્યું ત્યારે ફાયર એનઓસી મેળવ્યું હતું પરંતુ ત્યારબાદ બિલ્ડરે એપાર્ટમેન્ટનો વહીવટ એપાર્ટમેન્ટના એસોસિએશનને સોંપી દીધો હતો અને એસોસિએશને વર્ષોથી ફાયર એનઓસી રિન્યૂ કરાવ્યું નહોતું, એટલું જ નહીં, બિલ્ડિંગ મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું કે કેમ તે મુદ્દે માહિતી મેળવવા પોલીસે મનપાના બાંધકામ વિભાગ પાસેથી પણ માહિતી મેળવી હતી અને પીજીવીસીએલ પાસેથી કેટલીક માહિતી પોલીસે મગાવી હતી.