રાજકોટમાં સફેદ વાઘની વસ્તીમાં વધારો થયો છે. જેમાં શહેરનાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘણે 2 બાળ વાઘને જન્મ આપ્યો છે. સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી 105 દિવસની ગર્ભાવસ્થાને અંતે તા. 30 માર્ચનાં રોજ સાંજના સમયે 2 બાળ વાઘનો જન્મે થયો છે. હાલ માતા કાવેરી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. માતા અને બચ્ચા બન્ને તંદુરસ્ત છે, છતાં હાલ ઝૂનાં વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા-બચ્ચાંઓનું CCTV દ્વારા રાઉન્ડ ધ કલોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
2014-15માં સફેદ વાધની જોડી લવાઈ હતી રાજકોટ મનપા સંચાલિત પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ ઉત્તમ સ્થળ બન્યું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવે છે. વર્ષમાં 7 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવે છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. વર્ષ 2014-15 દરમિયાન વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ (છતીસગઢ)ને સિંહ જોડી 1 આપવામાં આવ્યાં હતાં. જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાધ નર દિવાકર, સફેદ વાધણ યશોધરા અને સફેદ વાધણ ગાયત્રી આ૫વામાં આવ્યા હતા.