શાળા પ્રવેશોત્સવમાં મેયર જ્યા પહોંચ્યા ત્યાં ગંદકીના ગંજ!

ફરી એક વખત સ્વચ્છ રાજકોટની છબીને લાંછન લગાડતી તસવીરો સામે આવી છે. જેમાં શહેરના ચુનારાવાડ વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બહાર જ ગંદકીના ગંજ જૉવા મળ્યા છે. રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાની ઉપસ્થિતિમાં ચુનારવાડ શેરી નં. 6માં સ્થિત ચંપકભાઈ વોરા પ્રાથમિક શાળા નં-23માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે આ શાળાની બહાર જ ગંદકીના ગંજ જોવા મળ્યા હતા. સ્કૂલ પર મેયર આવવાના હોવા છતાં સફાઈ કરવામા ન આવી હોવાનુ ગંભીર ચિત્ર સામે આવ્યુ હતુ. ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળા વચ્ચે શાળા પાસે જ ભારે ગંદકીને કારણે ભૂલકાઓ સહિતના વિદ્યાર્થીઓના આરોગ્ય ઉપર પણ મોટું જોખમ ઊભું થયું છે. આ બાબતે મેયરને પૂછવામાં આવતા તેમણે સફાઈ થઈ જશે એવો જવાબ આપ્યો હતો.

આ બાબતે મેયર નયનાબેન પેઢડીયાનો સંપર્ક કરવામા આવતા તેમણે જણાવ્યું હતું કે, ચુનારવાડ વિસ્તારમાં જે સ્કૂલ આવેલી છે, તેનું બિલ્ડીંગ ખૂબ જ સારું છે પરંતુ, બાજુમાં શાક માર્કેટ ભરાય છે અને તેને કારણે ગંદકી વધી હોય એવું લાગી રહ્યું છે. જોકે, આ બાબત ધ્યાને આવતા ત્યાં સફાઈ કરવામાં આવશે અને શાક માર્કેટને લીધે ગંદકી ન થાય એવી કડક સૂચના આપવામાં આવશે. આ ઉપરાંત આ પછાત વિસ્તાર છે ત્યારે સ્થાનિકોને પણ ગંદકી ન કરવા માટે સમજાવવામાં આવશે. જોકે, હકીકત એ છે કે જો મેયર પહોંચે ત્યારે પણ ત્યાં ગંદકી યથાવત હોય તો કાયમી જમા થતા આ ગંદકીના ગંજથી ત્રસ્ત લોકોની સમસ્યા દૂર થશે કે કેમ તે એક સવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *