ઘઉંની આવકને બ્રેક: ચણાની રેકર્ડબ્રેક 3.30 લાખ મણની આવક

રાજકોટ માર્કેટ યાર્ડમાં શનિવારે ઘઉંની ચિક્કાર આવક થયા બાદ તેની આવકને બ્રેક મારવામાં આવી છે અને અન્ય જણસોની આવક ચાલુ રાખવામાં આવતા નવા સપ્તાહના પ્રારંભે સોમવારે સવારથી જ યાર્ડ પર 1800થી વધુ વાહનોના થપ્પા લાગી ગયા હતા. સોમવારે સૌથી વધુ ચણાની રેકર્ડબ્રેક 3.30 લાખ મણની આવક થઇ હતી. ચણા પીળાનો રૂ.1050-1110 અને ચણા સફેદનો રૂ.1380-2280ના ભાવે વેપાર થયો હતો. ચણા ઉપરાંત યાર્ડમાં કલોજીની 9000 મણ, કપાસની 13000 મણ, જીરુંની 25500 મણ, રાઇડાની 9000 મણ, વરિયાળીની 3000 મણ, તુવેરની 16000 મણ અને વટાણાની 8000 મણની આવક થઇ હતી.

આ તમામ જણસોની ગાડીઓ ક્રમવાર પ્રવેશ આપી ઉતારવામાં આવી હતી. માર્કેટ યાર્ડમાં આજે ઘઉં લોકવનના મણના ભાવમાં રૂ.15, ઘઉં ટુકડાના ભાવમાં રૂ.30, જુવારના ભાવમાં રૂ.50, ચણા પીળાના ભાવમાં રૂ.30 અને ચણા સફેદના ભાવમાં રૂ.45નું પ્રતિ મણ ગાબડું પડ્યું હતું. આ ઉપરાંત કલોજીના ભાવમાં રૂ.110, રાઇ અને મેથીના ભાવમાં પણ પ્રતિ મણ રૂ.60-60 ઘટ્યા હતા. જ્યારે ઇસબગુલના ભાવમાં રૂ.90, તલીનો ભાવમાં પ્રતિ મણ રૂ.120 વધ્યા હતા.

જીરુંમાં એક દિવસમાં રૂ.400નો ઉછાળો યાર્ડમાં જીરુંના ભાવમાં સોમવારે સૌથી વધુ સળવળાટ જોવા મળ્યો હતો. જીરુંના ભાવમાં 24 કલાકમાં જ પ્રતિ મણ રૂ.400નો વધારો થયો હતો. શનિવારે જીરુંનો રૂ.3751-4600ના ભાવે વેપાર થયો હતો. જ્યારે નવા સપ્તાહના પ્રારંભે જ જીરુંનો રૂ.4001-5000નો ભાવ બોલાતા તે ભાવે વેપાર થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *