નવેમ્બર માસ પૂર્ણ થવા આડે હવે માત્ર 10 દિવસ બાકી છે ત્યારે રાજકોટ શહેર-તાલુકાની 57 સહિત રાજ્યના અનેક તાલુકામાં હજુ સુધી રેશનિંગના ઘઉં-ચોખાનો જથ્થો ન પહોંચ્યાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશને આ મુદ્દે પુરવઠા નિયામકને પત્ર લખીને તાકીદે અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાને પહોંચાડવા માગણી કરી છે. પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરેલ અને જાહેરાત કર્યા મુજબના કલ્યાણકારી યોજનાનો જથ્થો પૂરતા પ્રમાણમાં અને સમયસર મળતો નથી એ નિર્વિવાદિત પણે સૌ જાણે છે.
રાજકોટ જિલ્લા શહેર તરફથી આ બાબતે એસો.ને રજૂઆત મળી છે કે, રાજકોટ સિટીમાં 45 દુકાન ઉપર આજ 21 તારીખ થવા છતાં ક્યાંક ઘઉં તો ક્યાંક ચોખાનો એકેય સ્કીમનો એક દાણો પહોંચ્યો નથી. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાના ગોડાઉન ઉપર ક્યાંક ઘઉં તો ક્યાંક ચોખાનો સ્ટોક નથી. ટ્રાન્સપોર્ટ ઇજારદાર દ્વારા સમયસર ગાડી ન ભરવાથી આ જથ્થો પહોંચી નથી રહ્યો એવું સ્થાનિક ડીએસએમનું કહેવું છે. હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાના ડીએસએમને તાલીમ અર્થે અન્ય વહીવટી કારણોસર ગાંધીનગર મોકલવામાં આવ્યાં છે ત્યારે ઇન્ચાર્જ તરીકે કામ કરી રહેલ નિગમના અધિકારીઓ પોતે ચાર્જમાં છે એવું કહીને જવાબદારીથી ભાગી રહ્યા છે જે જાહેર વિતરણ વ્યવસ્થા માટે જરાય યોગ્ય નથી. આથી 1 તારીખથી જ જથ્થો મળી જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.