સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન પલટો, 10 એપ્રિલ સુધીમાં માવઠાની ભીતિ

ફેબ્રુઆરીમાં ઠંડી-ગરમીની મિશ્ર ઋતુ અનુભવ્યા પછી હવે માર્ચ મહિનામાં પણ હવે દિવસે ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. ગુરુવારે રાજકોટમાં પણ હવામાન પલટાની અસર દેખાઈ હતી અને વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય પરંતુ ત્યારપછી 2થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં સિઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા છે જેના પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ વર્તાશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં સિઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા છે, જેના ભેજને કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવશે, એમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ-સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થશે. આ ઉપરાંત મધ્ય-ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. ગુરુવારે રાજકોટની મહત્તમ તાપમાન ઘટીને 36.3 ડિગ્રી રહ્યું હતું.

પવનની ઝડપ 10 કિ.મી પ્રતિકલાક રહી હતી. રાજકોટમાં તાપમાન 24 કલાકમાં જ 2 ડિગ્રી જેટલું ઘટી જતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. ગુજરાત પર હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવનો આવી રહ્યા છે, આથી ગુજરાતના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જો કે, ત્રણ દિવસ બાદ બફારો વધવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *