પૂર્વ ધારાસભ્ય અને કાર્યાલયના અંગત મદદનીશ સામેનું વોરંટ રદ

રાજકોટના પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુફેર કરવા માટે ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કરનાર કોંગ્રેસના આગેવાનો ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યાલયના અંગત મદદનીશ, પૂર્વ ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સી.જે.ચાવડા સામે બદનક્ષીના કેસમાં અદાલતમાં પ્લી નોંધવા હાજર ન રહેતા કોર્ટે આરોપી સામે 13મીએ હાજર થવા જામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. જેમાં આરોપી સુખરામ રાઠવા અને વિરોધ પક્ષના કાર્યાલયના અંગત મદદનીશ પ્રવીણ પરમાર મંગળવારે કોર્ટ સમક્ષ હાજર થતા વોરંટ રદ કરી દેવાયું છે. જ્યારે શૈલેષ પરમાર અને સી.જે.પરમાર સંભવત: કાલે અદાલતમાં હાજર થાય તેવી શક્યતા છે.

આ કેસની વિગત એવી છે કે, વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાંથી આરોપી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના આગેવાન સુખરામ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડા તેમજ વિરોધ પક્ષના નેતાના અંગત મદદનીશે પ્રેસનોટ પ્રસારિત કરી સહારા કંપનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂ.500 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યા હોવાનો આક્ષેપ ફરિયાદી નીતિન ભારદ્વાજ વિરુદ્ધ કર્યો હતો. જેના અનુસંધાને નીતિન ભારદ્વાજે ચારેય કોંગ્રેસી આગેવાનો વિરુદ્ધ અદાલતમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં કોર્ટે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યૂ કરી તેઓને કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો, પરંતુ તેઓ ઘણી મુદતો વીતી જવા છતાં હાજર ન થતા ફરિયાદપક્ષની અરજીના આધારે તમામ આરોપીઓ સામે તા.13મીએ રાજકોટ કોર્ટમાં હાજર થવા જામીન પાત્ર વોરંટ ઇસ્યૂ કર્યું હતું. જેમાં સુખરામ રાઠવા અને પ્રવીણ પરમાર તા.11મીએ બપોરે 3 વાગ્યે અદાલત સમક્ષ હાજર થતા વોરંટ રદ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *