મહાપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડવાઇઝ મતદારયાદી બનાવાશે: ટેન્ડર પ્રસિદ્ધ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજકોટ શહેરના 18 વોર્ડની મતદારયાદી તૈયાર કરવા આદેશ અપાતા મહાનગરપાલિકાએ તૈયારી આદરી છે અને તેના માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે અને વિવિધ એજન્સીઓ પાસે ભાવ મગાવ્યા છે. મહાનગરપાલિકાનું કામ જે એજન્સીને મળશે તેમણે વોર્ડોની મતદારયાદી સોફ્ટ કોપી પરથી વોર્ડવાઇઝ પ્રિન્ટ અને બાઇન્ડિંગ કરવાનું કામ તેમજ મહાનગરપાલિકાની ચૂંટણી શાખા હસ્તકનું જરૂરી સાહિત્ય તેમજ અન્ય શાખાઓને જરૂરી સાહિત્યના પ્રિન્ટિંગ કરવાનું રહેશે.

ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકાની મતદારયાદીનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તેમાં અર્નેસ્ટ મનીની રકમ રૂ.60,000 રાખવામાં આવી છે. તેમજ જે એજન્સી રસ ધરાવતી હોય તેમણે તા.30-6થી 14-7 દરમિયાનમાં ટેન્ડર ભરવાનું રહેશે. જે એજન્સીનું ટેન્ડર મંજૂર થશે તેમણે સિક્યોરિટી ડિપોઝિટ પેટે કુલ કિંમતના 5 ટકા આપવાના રહેશે. આ એજન્સીને પાંચ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા કલેક્ટર તંત્ર પાસેથી વિધાનસભા વાઇઝ ચૂંટણીનો ડેટા મેળવી તા.1-1-2026ની સ્થિતિએ મતદારયાદી તૈયાર કરવામાં આવશે અને તેમાં વિધાનસભા વાઇઝ મતદારયાદીમાંથી વોર્ડવાઇઝ મતદાર યાદી તૈયાર કરાશે અને બાદમાં તેને પ્રસિદ્ધ કરાશે. મહાનગરપાલિકા દ્વારા દર પાંચ વર્ષે મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેમાં નવા મતદારો, શતાયુ મતદારો સહિતની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર-1973માં રાજકોટ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ તેમાં અનેક ફેરફારો થયા છે. રાજકોટ મહાનગરપાલિકા બની ત્યારે તેનો વિસ્તાર 69 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો હતો. જે ક્ષેત્રફળ હાલમાં વધીને 161.86 ચોરસ કિલોમીટર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *