રાજકોટમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ ચોટીલાના વડાળીમાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ પાછળ મનછાનગર શેરી નંબર-9માં દોઢ વર્ષથી માવતરના ઘરે રહેતી પૂજાબેન (ઉ.વ.22) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચોટીલાના વડાળી ગામે રહેતા પતિ સંજય ઉકાભાઇ માલકીયા, સાસુ હેમીબેન, સસરા ઉકાભાઈ અને દિયર વિજય અને નરેશના નામ આપ્યા છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લગ્ન તા.5.2.2022ના વડાળી ગામે રહેતા સંજય માલકિયા સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા સંયુકત કુટુંબમાં રહેવા જતા એકાદ મહિનો સારી રીતે રાખ્યા બાદ પતિ તથા સાસુ-સસરા અને દિયર નાની-નાની બાબતોમાં ઝઘડાઓ કરી ત્રાસ આપવા લાગ્યા હતા. બંને દિયર અને સાસુ સસરા મ્હેણાં-ટોણા મારતા હતા કે, કરિયાવર લાવે એવી વહુ જોઇતી હતી. મારા દીકરાને બીજી બાયડી કરાવી આપવી છે, તું જોઇતી જ નથી. તારા પિયરિયાએ તને કરિયાવરમાં કઈં આપ્યું નથી અને તું અમોને ભટકાડી દીધેલ છે તેમ કહી ત્રાસ આપતા હતા.
પતિને કહેતા કે, તું આને કાઢી મૂક, જેથી પતિ પણ ઝઘડાઓ કરી ગાળો આપી ત્રાસ આપતો હતો પરંતુ, ઘર-સંસાર ચલાવવો હોવાથી પરિણીતા મૂંગા મોઢે સહન કરતી હતી. લગ્નના દોઢેક માસ બાદ પતિ-પત્ની રાજકોટ ભાડાના મકાનમાં રહેવા આવી ગયા હતા. એકાદ મહિનો અહીં રહ્યા હતા, તે દરમિયાન પતિ તેને કોઈની સાથે વાત કરવા દેતો નહીં અને ઘરની બહાર નીકળવા દેતો નહીં તેમજ ખોટી શંકા-કુશંકાઓ કરી ઝઘડા કરતો હતો. આ દરમિયાન સાસરીયાઓએ ખેતીકામ માટે બંનેને પરત બોલાવી લેતા પરિણીતા ફરી પતિ સાથે વડાળી ગામ રહેવા ચાલી ગઇ હતી. જ્યાં ત્રણેક માસ રોકાઇ હતી તે દરમિયાન ફરી સાસરિયાઓએ ત્રાસ આપવા લાગ્યા હતા.