ગોંડલના જામકંડોરણા રોડ પર આવેલા હડમડિયા ગામમાં અષાઢી બીજની અનોખી રીતે ઉજવણી કરાય છે જે પરંપરા 100 વર્ષથી પણ વધુ જૂની છે. આ દિવસે ગામલોકો ધંધા- રોજગાર અને ખેતીવાડીના કામકાજ બંધ રાખીને ખાખર વાળી ખોડિયાર માતાજીના મંદિરે એકઠા થાય છે જ્યાં પથ્થરમાં માતાજીનું સ્થાનક છે.
આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ ગામની નાની દીકરીઓ હોય છે જેઓ પોતાના ઘરેથી બોર કે ડંકીનું શુદ્ધ પાણી ભરેલા કળશ માથા પર લઈને આવે છે. ગામના વડીલો દ્વારા આ પાણી માતાજીના પથ્થર પર રેડવામાં આવે છે એવી માન્યતા છે કે પથ્થર પર પાણી રેડવાથી અલગ અલગ પ્રકારના જીવજંતુઓ બહાર આવે છે, જે આગામી વર્ષ કેવું રહેશે તેની આગાહી કરે છે.
આશરે 100 વર્ષ પહેલાં હડમડિયા ગામના એક ખેડૂત ગોંડલ યાર્ડમાં જણસી વેચીને પરત ફરી રહ્યાહતા. રસ્તામાં, હડમડિયા ગામ નજીક ડુંગર પાસે, એક વૃદ્ધ મહિલાએ તેમનું ગાડું રોકીને બેસવા માટેકહ્યું અને પાછળ વળીને જોવાની ના પાડી હતી જ્યારે ખેડૂત ખાખરાવાળા વૃક્ષ પાસે પહોંચ્યા અને પાછળ જોયું, ત્યારે વૃદ્ધ મહિલાએ ખોડિયાર માતાજીના સ્વરૂપે દર્શન આપ્યા.