અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. ગઈકાલે તારીખ 16.06.2025ને સોમવારના રોજ તેમના પાર્થિવ દેહને રાજકોટ લાવી બાદમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેઓ પંચમહાભૂતમાં વિલીન થયા હતા. આજે મંગળવારના રોજ બપોરના 3 થી 6 વાગ્યા સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં નામી અનામી લોકો હજારોની સંખ્યામાં જોડાયા હતા અને વિજયભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
અરવિંદભાઈ મણિયારના પત્ની હંસિકાબેન, ધારાસભ્ય રિવાબા જાડેજા, ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ, પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા, પદ્મશ્રી હેમંત ચૌહાણ, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, લોકસાહિત્યકાર રાજભા ગઢવી, ખજૂરભાઈ સહિતના આગેવાનોએ રૂપાણી પરિવારના સભ્યોને મળી સાંત્વના પાઠવી હતી.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કેજરીવાલે રૂપાણી પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.