રાજકોટ શહેરના કાલાવડ રોડ પર બિશપ હાઉસ પાસે ખાનગી બિલ્ડર સાથે જનભાગીદારીથી પીપીપી આવાસ યોજના નિર્માણ કરવા માટે ત્યાં વર્ષોથી રહેલા જૂના કાચા-પાકા મકાનો તેમજ ઝૂંપડપટ્ટી દૂર કરવા હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહીમાં અન્યાય થયાની પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટરથી લઇને મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરવામાં આવી હતી. જે પ્રકરણમાં વિજિલન્સ તપાસ શરૂ થયાનું મહાનગરપાલિકાના સત્તાધીશોએ સિદ્ધાર્થ પરમારને લેખિતમાં જણાવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર આવાસ યોજના વિભાગે સિદ્ધાર્થ પરમારને તા.14-10-2024ના રોજ આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, આપની તારીખ વગરની અરજીના મુદ્દા નં.2 અને મુદ્દા નં.3ના જવાબમાં જણાવવાનું કે વોર્ડ નં.11ના રેવન્યુ સરવે નં.123 પૈકી ટી.પી.સ્કીમ નં.5(નાનામવા), એફ.પી.નં.95 તથા 288 પર રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત જાહેર જમીન પર આવેલી ઝૂંપડપટ્ટીઓનું પીપીપી યોજનાથી પુનર્વિકાસ અને પુનર્વસન માટેના ઠરાવથી જાહેર કરવામાં આવેલી નીતિ અનુસાર નિયમોનુસાર ટેન્ડર પ્રક્રિયા કરી આ યોજના તા.14-02-2022ના રોજ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત સામૂહિક હિતોને ધ્યાનમાં રાખીને કોઇપણ જાતના વિવાદ વિના કાયદેસર રીતે યોજના પૂર્ણ કરવામાં આવેલ છે. આપની માગણી મુજબ વિજિલન્સ તપાસની કાર્યવાહી પ્રક્રિયા હેઠળ છે. આ બાબતે આંદોલન કરવા જેવું આત્યંતિક પગલું ન ભરવા પણ અંતમાં સિટી એન્જિનિયરે પોતાના પત્રમાં પૂર્વ ધારાસભ્યને સમજ આપી હતી. આ પ્રકરણમાં વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નં.15ના કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયાએ માગેલી માહિતી સંદર્ભે સિટી એન્જિનિયરે તા.9-11-2024ના રોજ એવો જવાબ આપ્યો હતો કે, આપે તા.1-12-2010ના પહેલાંના રહેણાકના પુરાવા દા.ત. રેશનકાર્ડ, લાઇટબિલ, વેરાબિલ, ચૂંટણીકાર્ડ તેમજ આધારકાર્ડની નકલ માગેલ છે. જે હાલ વિજિલન્સ તપાસ હેઠળ હોય માહિતી આપી શકાય તેમ નથી.