વાઇબ્રન્ટથી અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઇટનો ટ્રાફિક વધશે

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10થી 12 જાન્યુઆરી દરમિયાન 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે આવશે. ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજીને અમદાવાદીઓનું અભિવાદન કરશે, જેથી ચાર દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર વીઆઇપીનો જમાવડો વધુ રહેશે, આથી સામાન્ય મુસાફરોને અગવડ ન પડે એ માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે 9થી 12 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય કરતાં વધુ મુસાફરોની અવરજવરની અપેક્ષા છે, જેથી તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આગળનું આયોજન કરે અને સીમલેસ મુસાફરી માટે વધારાનો સમય ફાળવવો પડશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, ફ્લાઇટના સમય કરતાં 3 કલાક પહેલાં એરપોર્ટ પહોચવું હિતાવહ રહેશે. આ ઉપરાંત એરપોર્ટ સુધી પહોંચવાના રસ્તા પર પણ વધુ ટ્રાફિક રહેવાની શક્યતા છે, જેથી સમય કરતાં વહેલા પહોંચવાની તૈયારીઓ રાખવી આવશ્યક છે.

મુસાફરોનો જમાવડો પણ વધુ રહેશે
દેશના પશ્ચિમ ભાગનું મહત્ત્વનું એરપોર્ટ અને ગુજરાતનું સૌથી વ્યસ્ત રહેતું અમદાવાદ એરપોર્ટ ગાંધીનગરથી નજીક છે. એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અત્યાધુનિક છે, આથી અમદાવાદ એરપોર્ટ પર VVIP મૂવમેન્ટ માટે સૌથી પ્રથમ પસંદગીનું એરપોર્ટ છે. 9થી 12 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઇટ સહિત અન્ય અનેક ફ્લાઇટ લેન્ડ થશે. ત્યારે મુસાફરોનો જમાવડો પણ વધુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *