હવામાન વિભાગે માવઠાની આગાહી કરતાં માર્કેટ યાર્ડમાં શાકભાજીના ભાવમાં બે બાજુ વધઘટ નોંધાઇ છે. જોકે મોટાભાગના શાકભાજીમાં મણદીઠ રૂ.100થી 400નું ગાબડું પડ્યું છે અને તેમાં પણ સૂકી ડુંગળી અને કોબીજના ભાવ સાવ તળિયે પહોંચી જતાં ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. જ્યારે અમુક શાકભાજીના ભાવમાં મણદીઠ રૂ.20થી 200નો વધારો થયો છે.
યાર્ડના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા પાંચ દિવસમાં સૂકી ડુંગળીનો મણદીઠ ભાવ ઘટીને રૂ.41થી 210 થઇ ગયો છે. આમ ડુંગળીનો હોલસેલમાં કિલોનો ભાવ રૂ.2થી 10.50 થઇ ગયો છે. તેવી જ રીતે કોબીજનો ભાવ પણ ઘટીને મણદીઠ રૂ.40થી 80 અને કિલોના રૂ.2થી 4 થઇ ગયો છે.
આ ઉપરાંત લીંબુના ભાવમાં રૂ.400, કાચી કેરીના ભાવમાં રૂ.400, મૂળાના ભાવમાં રૂ.100, ગુવારના ભાવમાં રૂ.200, ચોળાશિંગના ભાવમાં રૂ.300, ટીંડોળાના ભાવમાં રૂ.100, તૂરિયાના ભાવમાં રૂ.130, કાકડીના ભાવમાં રૂ.120 અને મરચાં લીલાના ભાવમાં રૂ.160નો મણદીઠ ઘટાડો નોંધાયો છે. જ્યારે સાકરટેટીના ભાવમાં રૂ.80, ટમેટાંના ભાવમાં રૂ.70, ફ્લાવરના ભાવમાં રૂ.20, કાકડીના ભાવમાં રૂ.110, ગલકાના ભાવમાં રૂ.20, ડુંગળી લીલીના ભાવમાં રૂ.100 અને લસણ લીલાના ભાવમાં રૂ.200નો મણદીઠ વધારો થયો છે. માવઠાની આગાહી કરાતા ખેડૂતો ખેતરમાંથી શાકભાજી કાઢવા માંડ્યા છે જેની અસર ભાવ પર પડી છે.