ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. ઇઝરાયલની સેનાએ ગ્રાઉન્ડ એક્શનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને સરકાર તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી છે.
આજે સવારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ જો બાઇડેન 18 ઓક્ટોબરે ઇઝરાયલની મુલાકાત લેશે. પીએમ નેતન્યાહૂ અને અધિકારીઓ સાથે 7 કલાકથી વધુની વાતચીત બાદ તેમણે આ જાહેરાત કરી હતી.
આ પહેલાં સોમવારે ઇઝરાયલની સંસદ (નેસેટ)નું વિશેષ સત્ર થયું હતું. જેમાં હમાસ સિવાય વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાહ અને ઈરાનને પણ ચેતવણી આપી હતી.
નેતન્યાહૂએ કહ્યું- હમાસ સાથેનું યુદ્ધ હકીકતમાં અંધકાર અને પ્રકાશ વચ્ચેના યુદ્ધ જેવું છે. અમે અમારા દુશ્મનોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તેઓ ઇઝરાયલને અજમાવવાની ભૂલ ન કરે. પરિણામો ખૂબ ગંભીર હશે.